ગુજરાત સમાચાર

રાજકોટમાં કોંગ્રેસના કાર્યાલયને સળગાવાતા રાજકીય ગરમાવો

ઉદ્ધાટન થાય તે પૂર્વે મંડપ,બેનર્સ,પડદાં સળગાવ્યા

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ આ ઘટનાની કડક તપાસ કરી તટસ્થ પગલા લેશે - પો.કમી. મોહન ઝા

આ કોંગ્રેસનું રાજકીય સ્ટંટ, અમે આ કેસની તપાસ કરી પગલા લેવા માગણી કરી છે- વિજય રૃપાણી

ભાજપના ઈશારે કૃત્ય આચરાયાનો કોંગ્રેસનો આક્ષેપ,પગલા ન લેવાય તો ચૂંટણીનો બહિષ્કાર કરી વિજય રૃપાણીને ત્યાં ઉપવાસની ચિમકી

રાજકોટ,શનિવાર
પશ્ચિમ રાજકોટ બેઠકની આગામી તા.૧૫ના પેટાચૂંટણી યોજાય તે પૂર્વે ચાલતા પ્રચાર અભિયાનમાં આજે પલિતો ચંપાયો છે. અહીંના વોર્ડ નં.૧માં ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગરમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને કોઈ શખ્સોએ આગ ચાંપીને મંડપ, કમાન, પડદાં, ઝંડી, વગેરે સળગાવી નાંખતા કોંગ્રેસમાં તીવ્ર આક્રોશ ફેલાયો હતો અને પોલીસ કમિશનર પાસે ધસી જઈને આ કૃત્ય ભાજપના રૃપાણીના ઈશારે થયાનો આક્ષેપ કરીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને સાંજે પણ આ મુદ્દે ભારે ગરમાગરમીનો માહૌલ રહ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ અંગે કોંગ્રેસના કાર્યકર ગીરીરાજસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.૪૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ ગત રાત્રિના બે થી ચાર વાગ્યાની વચ્ચે કેટલાક તત્વોએ ધસી આવીને કોંગ્રેસ કાર્યાલયના દ્વારા મુકાયેલ મંડપ, બેનર્સ વગેરેને સળગાવી નુક્શાન કર્યું હતું. પોલીસે આઈ.પી.સી.ક.૪૩૫,૧૧૪ વગેરે હેઠળ ગુનો નોંધી નિવેદનો, સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધર્યાનું જણાવાયું છે. ઘટના સ્થળેથી મશાલ, જ્વલનશીલ પદાર્થ ભરવાનું ડબલું, ખાલી શીશો વગેરે મળી આવ્યાનું પણ જણાવાયું છે.

કોંગ્રેસના નેતાઓએ રોષભેર જણાવ્યું હતુ કે અગાઉ અમુક વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યાલયો શરુ થતા નહીં પણ આ વખતે થતા કાર્યકરોને ભયભીત કરવા આ કૃત્ય આચરાયું છે. ગાંધીગ્રામમાં ઉપરોક્ત સ્થળે આજે સાંજે સાત વાગ્યે આ કાર્યાલયનું ઉદ્ધાટન થવાનું હતું તે પહેલા જ ત્યાં આગ ચાંપવાની ઘટના હરીફને પરાસ્ત કરવા ગુંડાગીરીનો સહારો લેવાયાનો નિર્દેશ કરી રહી છે.

આ ઘટના બાદ બપોરે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, અતુલ રાજાણી અને જયંતિભાઈ કાલરિયા વગેરે સહિતના આગેવાનો પોલીસ કમિશનર પાસે ધસી ગયા હતા અને એવી રોષભેર રજૂઆત કરી હતી જો રાજકોટમાં પોલીસ વિજય રૃપાણીનું માનવાનું બંધ નહીં કરે તો ગુંડાગીરી વધુ ભયાનક રૃપ લેશે. એવો આક્ષેપ પણ કરાયો હતો કે આ ઘટનામાં ભાજપને ક્લીન ચીટ મળે તે માટે કોંગ્રેસના કાર્યકરને પણ બળજબરીથી નિવેદન લખાવવા લઈ જવાયો છે. કોંગ્રેસે એવી ચિમકી પો.કમિ.સમક્ષ ઉચ્ચારી હતી કે જો પોલીસ આ ઘટનામાં નિષ્પક્ષ અને કડક પગલા નહીં લે તો આ ચૂંટણીનો બહિષ્કાર કરીને રૃપાણીના ઘરે ઉપવાસ પર ઉતરી જશું. જે અન્વયે પોલીસ કમિશનરે મોહન ઝાએ સંપૂર્ણપણે નિષ્પક્ષ કામગીરી કરવા અને તોફાની તત્વો સામે કડક પગલા લેવા ખાતરી આપી હતી. તેમણે આ અંગે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ વગેરેને તપાસ માટે આદેશ આપ્યા હતા અને કોઇપણ પક્ષની લેશમાત્ર ફેવર ન થાય તે જોવા આદેશ આપ્યો છે.

જ્યારે આ ઘટના માટે કોંગ્રેસે ભાજપ હાર ભાળી ગયાનું તો સામે ભાજપે કોંગ્રેસ હાર ભાળી ગયાનું જણાવ્યું છે. વિજય રૃપાણીએ કહ્યું કે, આ રાજકીય સ્ટંટ છે અને અમે પોતે પોલીસ કમિશનરને મળી આ ઘટનાની કડક નિષ્પક્ષ તપાસ કરી લુખા તત્વોને ઝબ્બે કરવા માગણી કરી છે.