ગુજરાત સમાચાર

ભાજપના મધ્યસ્થ કાર્યાલયેથી નામચીન ભાગેડુ આરોપી ઝબ્બે

રાજકોટની ક્રાઈમ બ્રાન્ચની પોલીસને મળેલી સફળતા

કરોડોની મિલ્કતો પડાવવામાં જયપાલસિંહને પકડવા નીકળેલી પોલીસની નજર ચૂંટણી કાર્યાલયમાં ગઈ અને આરોપી ગિરફ્તાર!

રાજકોટ,શનિવાર
રાજકોટમાં વેજા ગામના પૂર્વ સરપંચની જમીનમાં પેસકદમી તથા પટેલ વ્યક્તિની કરોડોની મિલ્કત હડપવાના કેસમાં નાસતા ફરતા જયપાલસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.આ.૪૫ રહે.સ્વર્ગ, અક્ષરમાર્ગ, પંચવટી સોસાયટી સામે, જયકિસન ડેરીની બાજુમાં, રાજકોટ)ને પકડવા નીકળેલી પોલીસે આ આરોપીને આજે રાત્રે રાજકોટની પેટા ચૂંટણીના ભાજપના અક્ષરમાર્ગ પર આવેલા મધ્યસ્થ કાર્યાલયમાંથી ઝડપી લીધાનું ક્રાઈમ બ્રાન્ચમાં જાહેર થતા સનસનાટી મચી ગઈ હતી. ભાજપના મુખ્ય ચૂંટણી કાર્યાલયમાં નામચીન આરોપીનું શુ કામ હતું તે સવાલ સર્જાયો છે.

આ અંગે ડી.સી.બી.ના પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.નકુમે જણાવ્યા મૂજબ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલ (રહે.ભક્તિનગર સોસાયટી મેઈનરોડ,રાજકોટ)ની માધવવાટિકામાં આવેલા ફ્લેટ, નિશાન વાહન, જમીન સહિતની મિલ્કતો ઉપરોક્ત આરોપી જયપાલસિંહ જાડેજા અને બલદેવ ઉર્ફે બલી વિરભાનુભાઈ ડાંગર (રહે.વાંકાનેર સોસાયટી શેરી નં.૧-૪ ખુણો, જામનગર રોડ,રાજકોટ)એ પડાવી લીધાની ફરિયાદ થતા આ અંગે આજે પોલીસ કમિશનર મોહન ઝાએ તપાસ કરીને આરોપીઓને ઝડપી લેવા આદેશ કરતા પી.આઈ. તથા ક્રાઈમ બ્રાન્ચના અન્ય પોલીસ સ્ટાફ મનુભા, સુરાણી, જાવેદભાઈ વગેરે નીકળ્યા હતા.

પહેલા આ પોલીસ સ્ટાફે આરોપીએ પડાવેલા માધવવાટિકા, લિંબુડીવાડી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં તપાસ કરતા ત્યાં રહેવાસીઓએ જણાવ્યું કે જયપાલસિંહ જાડેજાએ આ ફ્લેટ તેઓને ભાડે આપ્યા છે. ત્યાંથી તપાસ કરાવાતા આરોપી કોટડાસાંગાણી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેના અક્ષરમાર્ગ પર આવેલા નિવાસસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ પોલીસ સ્ટાફની નજર અક્ષરમાર્ગ પર આવેલા ભાજપના ઉમેદવારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કાર્યાલય પર પડતા ત્યાં આરોપીને બેઠેલો જોતા જ પોલીસે તેની ઝડપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે લાવીને કડક પુછપરછ આદરી હતી. પોલીસે હાલ તેની વેજા ગામના પૂર્વ સરપંચની જમીન હડપવાના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરી છે.

આ ઉપરાંત પોલીસ કમિશનર સમક્ષ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ બલી ડાંગર અને જયપાલસિંહ તથા તેમના સાગ્રિતોએ પૂર્વયોજિત કાવત્રુ ઘડીને ફરિયાદીના પુત્ર સાથે ભાગીદારી કરીને ઈ.સ.૨૦૧૦થી ૨૦૧૩ દરમિયાન ફરિયાદીના પુત્ર કમલેશ અને શૈલેષના નામે ખરીદાયેલ મિલ્કતોમાં રૃ।.૨૮.૩૯ લાખમાં ખરીદેલી નિશાન કાર નં.જી.જે.૩ડીએન-૭૦૧ લીંબુડીવાડીમાં માધવવાટિકા ફ્લેટ નં.૭૦૧, ૭૦૨ અને ૭૦૩, કાલાવાડ તાલુકાના શિશાંગ ગામે ખરીદેલ રૃ।.૫૦ લાખની જમીન, શાપરવેરાવળમાં રૃ।.એક કરોડમાં ધીરુભાઈ વોરા પાસેથી ખરીદેલ જમીન વગેરે કરોડો રૃ।.ની મિલ્કત હડપ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ અગાઉના ગુનામાં બલી ડાંગર અને જયપાલસિંહને શોધતી હતી પણ બન્ને આરોપીઓ શંકાજનક રીતે પકડાતા ન્હોતા ત્યારે આજે જયપાલસિંહને ભાજપના મુખ્ય ચૂંટણી કાર્યાલયમાંથી ઝડપી લેવાતા ચકચાર જાગી છે. આરોપી પકડાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ પર ભાજપના કાર્યકરો પણ દ્રષ્ટિગોચર થતા હતા.

પોલીસે એવી અપીલ કરી છે કે આ બલી ડાંગર અને જયપાલસિંહે અન્ય કોઈ નાગરિકની મિલ્કત હડપ કરી હોય તો તેઓ ફરિયાદ કરે તે જરૃરી છે. પોલીસ ચોક્કસ પગલા લેશે.