અકિલા સમાચાર

ભાજપ સત્તા પ્રાપ્તિ માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છેઃ જશવંતસિંહ ભટ્ટી

તસ્‍વીરમાં જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઈ દોંગા નજરે પડે છે

રાજકોટ, તા. ૬ :. હંમેશા સત્તાના પરીઘમાં જ રહેવા ટેવાયેલા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી અગાઉની માફક આ વખતે પણ સત્તા પ્રાપ્તિ માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યા છે, પરંતુ વિજયભાઈને ‘સારી રીતે ઓળખી ગયેલા.' ભાજપ પરિવારના સભ્‍યો અને આ વિસ્‍તારના મતદારો તેમને સફળ નહી થવા દે તેવો દ્રઢ વિશ્વાસ રાજકોટના કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટીએ વ્‍યક્‍ત કર્યો છે.

શ્રી જશવંતસિંહ ભટ્ટીએ વધુમાં જણાવ્‍યુ કે વિજયભાઈ રૂપાણીએ પોતાનો દબદબો જાળવી રાખવા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરોની રાજકીય કારકિર્દીનો અકાળે અંત લાવી દીધો છે તેમણે કરેલા પોલીટીકલ મર્ડરનું લીસ્‍ટ બનાવીએ તો પાનાના પાના ભરાઈ પરંતુ છેલ્લે તેમને વજુભાઈ વાળાને હાસીયામાં ધકેલવા માટે રાજકીય ચાલબાઝી ખેલી છે. તેનાથી ખુદ ભાજપ કેમ્‍પસમાં પણ સોપો પડી ગયો છે. ધારાસભ્‍ય બની પ્રધાન બનવાના અને લાલ-લાઈટવાળી ગાડીમાં ફરવાના મનસુબા નિહાળતા વિજયભાઈ રૂપાણીના કારણે જ રાજકોટની બેઠકની પેટાચુંટણીનો બોજ પ્રજાપર નાખ્‍યો છે. વિજય રૂપાણીનું લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવાનું સ્‍વપ્‍ન મતદારો સાકાર નહી થવા દે અને તેને રેડ સીગ્નલ આપી પરાજય નો સ્‍વાદ ચખાડશે.

વિજયની વરમાળા પહેરવા માટે થનગની રહેલા રૂપાણીના ગળામાં હારનો હાર મતદારો પહેરાવશે તેમ જણાવી મીતુલભાઇ દોંગાએ ઉમેર્યુ છે કે ભાજપના વિજય રૂપાણી નેતાઓના ઉમેદવાર છે. જયારે કોંગ્રેસના જયંતિભાઇ કાલરીયા, પ્રજાના ઉમેદવાર છે. અભ્‍યાસ,નિષ્‍ઠા, પ્રમાણીકતા દેશ સમાજની સેવા શકિતના તમામ મુદાઓની સરખામણીએ વિજયભાઇ રૂપાણી અને જયંતીભાઇ કાલરીયા વચ્‍ચે કરવામાં આવે તો કોંગ્રેસના જયંતિભાઇને ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મળે જયારે વિજયભાઇને પાસીંગ માર્કપણ મળે તેમ નથી.

રાજકોટના કોર્પોરેટર તરીકે કારકીર્દી શરૂ કરનાર વિજય રૂપાણીનો પોલીટીકલ ગ્રાફ તે સમયે ઝડપભેર ઉચે ચડયો હતો અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન,મેયર સહીતના તમામ મહત્‍વના હોદા ભોગવી છે.

પાણી વગર જેમ માછલી તરફડે છે તેમ સતા વગર તડફડીયા મારતા વિજયભાઇ રૂપાણી હંમેશા સતાના ઓપરેટર રહયા છે તેમ જણાવી મિતુલભાઇ દોંગાએ જણાવ્‍યું હતું કે ખુરશી મારી પરમેશ્વર અને હુ તેનો દાસ ની થીયરીમાં માનતા વિજયભાઇ રૂપાણી ને અને તેને પોષતા ભાજપને ઝાટકો આપવા તથા રાજકોટને કલુષિત થયેલુ રાજકીય વાતાવરણ સ્‍વચ્‍છ કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ કાલરીયાને ચુંટી કાઢવા મતદારો થનગની રહયા છે તેમ અંતમાં જશવંતસિંહ ભટ્ટીએ જણાવ્‍યું હતું.