અકીલા સમાચાર
તપોવન સોસાયટી ખાતે કોંગી કાર્યકરોને ઉમટી પડવા આહવાન
રાજકોટ તા.ર૭ : વિધાનસભા ૬૯ (પશ્ચિમ) કોંગ્રેસના કર્તવ્યનિષ્ઠ-ગાંધી વિચારધારા પ્રણેતાના ઉમેદવાર શ્રી જયંતિભાઇ કાલરીયા પ્રચારાર્થે-મધ્યસ્થ કાર્યાલયનું ગરિમાપુર્ણ રીતે ઉદ્દઘાટન આવતીકાલે રવિવારે તા.ર૮ના રોજ સાંજે પ કલાકે કોંગ્રેસ પક્ષ મધ્યસ્થ કાર્યાલય (જનપથ તપોવન સોસાયટી-અક્ષરમાર્ગ) ખાતે યોજવામાં આવેલ છે.
આ તકે કોંગ્રેસના આગેવાનોએ ટાંકયુ છે કે, રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સરિયામ નિષ્ફળ ગયેલ છે. વિકાસ તેમજ ‘સ્માર્ટ સીટી' રળીયામણું રાજકોટ પ્રદુષિત પાણીની સમસ્યાઓથી સ્થાનિક પ્રજા વિટંબણા અનુભવે છે. રાજકોટમાં આપઘાતના બનાવોથી નાગરિકો ચિંતિત છે, ગુંડા તત્વો, લુખ્ખાઓએ માઝા મુકી છે.
સરકારના બધિરકાન સુધી પ્રજાનો આર્તનાદ પહોંચાડે તેવા કોંગ્રેસના ઉમેદવાર શ્રી જયંતિભાઇ કાલરીયા છે.
આવતીકાલના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે શહેરના પ્રબુધ્ધ નાગરિકો સહિત વિધાનસભા-૬૯ના પ્રમુખે પ્રભારીઓ, શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, મહિલા કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઇ, સેવાદળ, ઓબીસી વિભાગ, અનુસુચિત જાતિ વિભાગ, લઘુમતિ વિભાગ, ફ્રન્ટલ ઓર્ગેનાઇર્ઝના વડાઓ તેમજ વિધાનસભા-૬૯ના નાગરિકો, મહિલાઓની હાજરી આવવા અનુરોધ કરાયેલ છે. તેવુ કોંગ્રેસ પ્રવકતા અઝીઝ ઇબ્રાહીમએ યાદીના અંતે જણાવ્યુ છે.