ગુજરાત સમાચાર

બિલ્ડર જયંતીભાઈ કાલરિયાએ કોંગ્રેસ તરફથી ઉમેદવારીપત્ર ભર્યું

કોંગ્રેસનાં ઉમેદવારની સંપત્તી ભાજપ ઉમેદવાર કરતા બમણી, ૧૬.૯૨ કરોડ

રાજકોટ, શુક્રવાર
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે કોંગ્રેસ તરફથી વ્યવસાયે બિલ્ડર્સ અને કરવેરા સલાહકાર એવા ૭૦ વર્ષીય જેન્તીભાઈ ભગવાનજીભાઈ કાલરિયો ઉમેદવારી નોંધાવી હતી. તેઓ કોંગ્રેસનાં પીઢ અગ્રણી છે અને માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. આજે તેમણે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની સંપતી ભાજપનાં ઉમેદવાર વિજય રૃપાણીની સંપતી કરતા ડબલથી વધુ જાહેર કરી છે. તેમનાં અને તેમના પત્નીના નામે કુલ રૃા. ૧૬.૯૨ કરોડની મિલકતો છે. તેમના નામે આજ સુધીમાં કોઈ ગુના નોંધાયેલા નથી.

એકપણ વાહન નથીં! રૃા. ૨૧.૮૦ લાખનાં સોના-ચાંદી ઝવેરાતઃ જમીન-મકાનો- શેર્સમાં વ્યાપક રોકાણો કાલાવડ રોડ પર અક્ષર માર્ગ સ્થિત તપોવન સોસાયટીમાં રહેતા જેન્તીભાઈ કાલરિયાએ સોગંદનામામાં રજૂ કરેલી વિગતો મુજબ ખેતીની જમીનો, મકાનો, ઓફિસોમાં વ્યાપક રોકાણો છે. રૈયા ઉપરાંત ધોરાજી તાલુકાનાં છાડવાવદરમાં તેમનાં હિસ્સાની કૃષિ વિષયક જમીનો છે. નાના મવામાં બીન કૃષિ વિષયક જમીનમાં હિસ્સો છે. તોરલ એપાર્ટમેન્ટમાં ઓફિસ, આલાપ સેન્ચુરીમાં દુકાન, કણકોટમાં રેઈનબો રેસી.માં બંગલો, નાના મવામાં શીલ્પન વિલામાં ફ્લેટ છે. પોતાનું રહેણાંક મકાન ઉપરાંત વાલકેશ્વરમાં પાંચમા માળે ફ્લેટ છે. સમય ડેવલોપર્સ, સૂરજ એન્ટરપ્રાઈઝ તથા રૃષી ડેવલોપર્સમાં તેઓ ભાગીદારી પેઢીમાં મિલકતો ધરાવે છે.

આ ઉપરાંત જુદી જુદી બેંકોના ખાતાઓમાં રોકડ તેમજ વિવિધ કંપનીઓનાં શેરોમાં રોકાણો કરેલા છે. આશ્ચર્યની વાત એ છે કે, પોતાના અને પોતાની પત્નીનાં નામે એક પણ કાર કે અન્ય વાહન ન હોવાનું જણાવ્યું છે. જ્યારે પત્ની પુષ્પાબેન પાસે રૃા. ૫.૨૩ લાખનું ૧૯૪ ગ્રામ સોનુ તથા આશ્રીત તરીકે પણ પોતાના જ નામે રૃા. ૧૬.૫૭ લાખનું ૬૧૪ ગ્રામ સોનુ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

વિવિધ બેંકો તથા નાણાંકીય સંસ્થાઓની કુલ રૃા. ૪.૪૩ કરોડની પોતાના પર તથા પત્નીનાં નામે રૃા. ૬૬.૧૫ લાખની લોન હોવાનું અને આશ્રીત તરીકે પણ પોતાના નામે રૃા. ૧૦ લાખની લોન-જવાબદારી હોવાની વિગતો રજૂ કરી છે. તેમનાં નામે કોઈ સરકારી લેણું બાકી નથી.

બી.એ., બી.કોમ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરનાર કોંગ્રેસનાં ઉમેદવાર કાલરિયાએ વર્ષ ૨૦૧૩-૧૪માં આવક વેરાનાં રિટર્નમાં પોતાની વાર્ષિક આવક રૃા. ૫.૪૪ લાખ તથા પત્નીનાં નામે વાર્ષિક આવક રૃા. ૨.૨૬ લાખ દર્શાવી છે. જ્યારે આશ્રીત તરીકે પોતાનાં નામે રૃ. ૧.૬૭ લાખની વાર્ષિક આવક દર્શાવી છે.

તેમણે જાહેર કરેલી કુલ સંપતીમાં તેમનાં નામે રૃ. ૫.૧૭ કરોડની તથા પત્નીનાં નામે રૃ. ૧.૦૨ કરોડની અને આશ્રીત તરીકે પોતાના નામે રૃા. ૪.૨૫ કરોડની જંગમ મિલકતો તથા પોતાનાં નામે રૃ. ૪.૮૨ કરોડની, પત્નીનાં નામે રૃ. ૭૫.૧૪ લાખની તથા આશ્રીત તરીકે પોતાનાં નામે રૃ. ૮૯.૬૪ લાખની સ્થાવર મિલકતો જાહેર કરી છે.