જીવન યાત્રા

જયંતિભાઇ કાલરીયા

રાજકોટ (પશ્ચિમની) ૬૯ વિધાનસભા બેઠકની આગામી તા.૧પ મી ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન જયંતિભાઇ કાલરીયા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહયા છે. મૂળ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામના વતની અને છેલ્લા પ૦ વરસથી રાજકોટ શહેરને જ પોતાની કર્મભૂમિ બનાવેલ છે.

જયંતિભાઈ કાલરીયાને જાહેર જીવનમાં સેવાના સંસ્કાર તેમના પિતાશ્રી ભગવાનજીભાઈ પટેલ તરફથી વારસામાં જ મળેલા છે. જયંતિભાઈના પિતાશ્રી ભગવાનજીભાઈ સ્વાતંત્ર સેનાની હતા અને સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ઢેબરભાઈના અનુયાયી હતા. તેઓએ ૧૯પપ થી ૧૯૬ર સુધી ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપેલ.

વિદ્યાર્થી અવસ્થાથી જ જયંતિભાઈએ ૧૯૬૮ માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈને પોતાની જાહેર જીવનની કારકિર્દીનો શુભારંભ કરેલ. જયંતિભાઈના જનરલ સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમ્યાન તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરાબેન ગાંધી ધર્મેન્દ્ર કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મૂખ્ય મહેમાન તરીકે આવેલા હતા.

શ્રીમતિ ઇન્દીરાબેન ગાંધીના નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે જયંતિભાઈએ ૧૦ વર્ષ સુધી સંગઠનમાં સેવા આપેલ. ૧૯૮ર થી ૮૪ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સીન્ડીકેટ સભ્ય તરીકે શિક્ષણ જગતમાં સેવા આપેલ.

શ્રી જયંતિભાઈ કાલરીયાએ ૧૯૮પ થી ૧૯૯૦ સુધી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરેલ. તેમણે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપ-દંડક તરીકે તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ સેવા આપી હતી. આ દરમ્યાન તે સમયના આરોગ્ય પ્રધાન વલ્લભભાઈ પટેલનું અવસાન થતા માધવસિંહભાઇ સોલંકીના નેતૃત્વ હેઠળની સરકારમાં જયંતિભાઈએ સહકાર ખાતાના રાજય પ્રધાન તરીકે પણ સેવા આપેલ.

છેલ્લા ૩૦ વર્ષથી જયંતિભાઈ કાલરીયાએ રાજકોટ પશ્ચિમના ૬૯-વિધાનસભા મતવિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી છે અને આ જ વિસ્તારમાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. હાલ જયંતિભાઈ ઉમિયા માતાજી મંદિર-સીદસર, સરદાર ભવન-રાજકોટ, વિજાપુર વિદ્યા સંકુલ, ઉમા હોસ્પીટલ, રાજકોટ માં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. સામાજીક સેવા ઉપરાંત વેદાંતની શિબિરો અને જ્ઞાનયજ્ઞના સાધક તરીકે જયંતિભાઈ સક્રિય રીતે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરતા રહે છે. રાજકોટની વિવિધ ઝુંપડપટૃીઓમાં વસતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ‘NGO’ તરીકે પણ જયંતિભાઈ હાલ સક્રિય છે અને એ ક્ષેત્રે સેવા આપે છે.

વ્યવસાયે બિલ્ડર એવા જયંતિભાઈ કાલરીયાએ રાજકોટમાં ”આલાપ” નામ વાળી રપ૦ થી ૩૦૦ ટેનામેન્ટસ ધરાવતી સંખ્યાબંધ સુંદર અને સુવિધા પૂર્ણ સોસાયટીઓનું નિર્માણ કરીને આલાપ વાળા જયંતિભાઈ કાલરીયા તરીકેની નામના મેળવી છે. આ તમામ સોસાયટીઓમાં સિમેન્ટ રોડ, ગાર્ડન, પ્લાન્ટેશન તથા એક જ પ્રવેશદ્વાર જેવી બેનમૂન સુવિધાઓ સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ આપેલ છે, જેેમાં આજે અનેક પરિવારો આનંદ અને સુખ રૂપ રહે છે. સ્વચ્છ, સુરક્ષિત, સુવિધા પૂર્ણ અને હરિયાળા વૃક્ષો સાથેની આલાપ સોસાયટીઓ જેવું જ રાજકોટ બને તેવું જયંતિભાઈનું સ્વપ્ન છે અને તે સ્વપ્નને સાકાર કરવા માટે ચૂંટણી લડી રહયા છે.

આજે ૭૦ વર્ષની ઉંમરે પણ તેઓ નિયમિત સ્વીમીંગ કરે છે. કાલાવડ રોડ પરના દયાનંદ સરસ્વતી સ્નાનાગરમાં જયંતિભાઈ છેલ્લા છ વર્ષથી સભ્ય છે અને ૩૦ મીનીટમાં નોનસ્ટોપ પ૦૦ મીટરનું સ્વીમીંગ કરે છે અને તંદુરસ્તી જાળવવા વધુ ને વધુ લોકો સ્વીમીંગ કરે તેવી ઝુંબેશ ચલાવે છે.

જયંતિભાઈએ સ્વચ્છ, સુરક્ષિત, સુવિધા પૂર્ણ અને હરિયાળા રાજકોટના નિર્માણ માટેના પોતાના સ્વપ્નને સાકાર કરવા રાજકોટ પશ્ચિમની બેઠકના સૌ મતદારોને તા. ૧પ મી ઓકટોબરના રોજ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર બટન દબાવી મતદાન કરવા નમ્ર અપીલ કરી છે.